આખું પાકિસ્તાન જાણવા માંગે છે કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ક્યાં છે અને તેમની શું હાલત છે. શાહબાઝ સરકાર અને રાવલપિંડીની અદિયાલા જેલ વારંવાર દાવો કરી રહી છે કે ઈમરાન ખાન ઠીક છે, પરંતુ તેમનો પરિવાર અને તેમની પાર્ટી આ વાત સ્વીકારવા તૈયાર નથી. દરમિયાન આજે પાકિસ્તાનની સંસદમાં પણ ઈમરાન ખાનનો મામલો ગુંજ્યો હતો.
પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સભ્ય ફૈઝલ જાવેદે કહ્યું, “અમે માંગ કરીએ છીએ કે ઈમરાનને આગામી 24 કલાકમાં તેના પરિવારને મળવા દેવામાં આવે. ઈમરાનને સંપૂર્ણ એકાંત કેદમાં કેમ રાખવામાં આવી રહ્યો છે?” પીટીઆઈના સાંસદ ફૈઝલ જાવેદે સંસદમાં જોર જોરથી મુદ્દો ઉઠાવ્યો હતો કે ઈમરાનના પરિવારને તેમને મળવા દેવાયા નથી. તેમણે સેનેટમાં આ મામલો ઉઠાવવાની પરવાનગી પણ માંગી હતી અને સરકારને જવાબ આપવા જણાવ્યું હતું.
પાકિસ્તાનના ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ નિયમોનો ઉલ્લેખ કર્યો, જેના કારણે હોબાળો થયો અને સંસદની કાર્યવાહી ખોરવાઈ. ચૌધરીએ કહ્યું કે ઈમરાન ખાન સૌથી વધુ વીઆઈપી કેદી છે. પીટીઆઈ ઈમરાનને મળવાને લઈને ડ્રામા કરી રહી છે. તેને જેલ મેન્યુઅલ મુજબ જ મળવા દેવામાં આવશે.








