ભાવનગરઃ જૈનોના તિર્થધામ પાલીતાણા નજીક આવેલા હસ્તગીરી ડુંગર પર આગ લાગતા વન વિભાગના અધિકારીઓ અને ફાયરના જવાનો દોડી ગયા હતા. ડુંગર પર ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. છેલ્લા 15 કલાકથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મોળવી શકાયો છે. જંગલનો મોટો વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે.
પાલિતાણના હસ્તગીરી ડુંગર પર આગના ઘૂંમાડા દેખાતા સ્થાનિક લોકોએ વન વિભાગ અને ફાયર વિભાગને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ અને ફાયર વિભાગના જવાનો દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે પાલીતાણા ફાયર વિભાગની ટીમ સાથે તળાજા તાલુકાની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. હસ્તગીરી ડુંગર પર મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનું વિચરણ થતું હોવાથી તંત્ર સતર્ક બન્યું હતુ.
ભાવનગરના DFOના જણાવ્યા મુજબ, ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે તૈનાત છે. આગના બનાવમાં કોઈ વન્યજીવને નુકસાન થયું નથી. ફાયર વિભાગની ટીમે પ્રથમ જંગલના રેવન્યુ વિસ્તારમાં આગ બુઝાવવાની કામગીરી કરી હતી. જો કે, ડુંગરની ઊંચાઈ પર લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી.
ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ પાલિતાણા હસ્તગીરી ડુંગર પર રેવન્યુ વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગી હતી અને તુરંત જ તે જંગલમાં ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં વન વિભાગ અને ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. સમયસૂચકતાના કારણે ટૂંક સમયમાં જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.