પાલનપુરઃ ભારતીય લશ્કરમાં ભરતી થઈને દેશની સેવા કરવાનું કેટલાક યુવાનોનું સ્વપ્ન હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામના દરેક ઘરના યુવાનો ભારતીય લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરી રહ્યા છે. આ નાના એવા ગામમાં કોઈ ઘર બાકી નથી કે પરિવારનો યુવાન લશ્કરમાં ન હોય, આ ગામના યુવાનો દેશની સેવામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને સરહદ પર ખડેપગે ફરજ બજાવે છે. પાંચથી છ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હાલ 200થી વધુ જવાનો દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે. આ ગામની માટીમાં એવી ખમીર છે કે દરેક ઘરમાંથી એક જવાન સૈનિક બનીને દેશસેવામાં જોડાય છે, અને આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે.

પાલનપુરના મોટા ગામના જવાનો સરહદ પર ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ પણ પોતાનો જુસ્સો ગામના યુવાનોમાં ઉતારે છે. તેઓ નવયુવાનોને સવાર-સાંજ માર્ગદર્શન આપીને તાલીમ આપે છે. હાલ ગામની શાળાના મેદાનમાં 100થી વધુ યુવાનો આર્મી, સીઆરપીએફ, અને બીએસએફ જેવા વિભાગોમાં જોડાવા માટે ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છે. ગામની પ્રાથમિક શાળામાં શહીદ બળવંતસિંહ વાઘેલાનું સ્મારક આવેલું છે, જે યુવાનોને દેશ માટે લડવાની પ્રેરણા આપે છે. ગામના લોકો યુવાનોને કોઈ અગવડ ન પડે તે માટે સંપૂર્ણ સહયોગ આપે છે. યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય તે માટે ગામવાસીઓએ ફાળો એકત્ર કરીને છેલ્લા દસ વર્ષથી ગામમાં લાઇબ્રેરી ઊભી કરી છે. આ લાઇબ્રેરી યુવાનોને ડીસા કે પાલનપુર જેવા શહેરોમાં જવાની જરૂર ન પડે તે રીતે પરીક્ષાની તૈયારીઓ માટે સુવિધા પૂરી પાડે છે. અહીં તૈયારી કરનારા યુવાનોએ સરકારી વિભાગોમાં નોકરી મેળવી છે, અને કેટલાકે બીએસએફ સહિતની પરીક્ષાઓના પ્રથમ તબક્કામાં સફળતા મેળવી છે.

મોટા ગામના જવાનો સાચા અર્થમાં દેશસેવા કરી રહ્યા છે. અન્ય સરકારી વિભાગોની સરખામણીએ તેઓ દેશની રક્ષા કરવાને પ્રાથમિકતા આપે છે. તેમના લોહીમાં દેશભક્તિ અને માતૃભૂમિની સેવાનો જુસ્સો ધબકે છે, જે સમગ્ર દેશવાસીઓ માટે સાચી દેશભક્તિની પ્રેરણા પૂરી પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here