અહીં પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, પ્રકૃતિનો વરસાદ છે, બોસ, આ ગુજરાત છે…
દરિયાકાંઠે દીપતી, રણમાં ખીલે રાત,
ભાતીગળ ભોમકા, ગરવી આ ગુજરાત…
પહેલી મે, એટલે ભારતના સમૃદ્ધ અને સંપન્ન રાજ્યોમાં જેની ગૌરવપૂર્વક ગણના થાય છે એવા ગુજરાત રાજ્યનો હેપીવાલો બર્થ ડે. એક લાખ છન્નુ હજાર ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવતું ગુજરાત ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમું મોટું રાજ્ય છે. જેની ઉત્તરે રાજસ્થાન, દક્ષિણે મહારાષ્ટ્ર, પશ્ચિમે મધ્યપ્રદેશ અને ઉત્તરે આરબ સાગર તથા પાકિસ્તાનનો સિંધ પ્રદેશ આવેલો છે. દેશના ઔદ્યોગિક એકમોથી ધમધમતું આ રાજ્ય કૃષિ, સેવા, પ્રવાસન અને ઑફકોર્સ ઉદ્યોગોથી પુરજોશમાં વિકાસ પામી રહ્યું છે. ગાંધી, સરદાર, મુન્સી, ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, નરેન્દ્ર મોદી જેવા સામર્થ્યવાન ગુજરાતીઓએ ન માત્ર ગુજરાત બલ્કે ભારતનો સમસ્ત જગમાં ડંકો વગાડ્યો છે. દયારામ, નરસિંહ, મેઘાણી, મુનશી, કલાપી જેવા સારસ્વતો ગુજરાતની આગવી ઓળખ છે. સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, પાવાગઢ, વિરપુર જેવા સ્થાનકોએ ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક છબી પ્રસ્થાપિત કરી છે. કંડલા, વેરાવળ, બેડી બંદર, ઉભરાટ, તિથલ, ગુજરાતના સાગર કિનારે આવેલા મોતીડા છે. સૌરાષ્ટ્રના ફાફડા, સુરતની ઘારી, અમદાવાદની પાણીપુરી, વડોદરાનો લીલો ચેવડો, કચ્છની દાબેલીનું નામ સાંભળતા જ જીભ ઉપર રસની ધાર છૂટે છે. ખમણ, ઢોકળા, થેપલા, મઠીયા, ઘૂઘરા, ખાંડવી ગુજરાતીઓ શાનથી ઝાપટે છે. દેશ વિદેશની સહેલગાહ કરનારા અને ઉદ્યોગ-વેપારથી જગ જીતનારા આ ગુજરાતીઓની વિશ્વભરમાં આગવી ઇમેજ છે.