અમદાવાદઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠાના ગામોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવમાં આવ્યું છે. સિઝનમાં પ્રથમવાર આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 133.48 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 4,33,420 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 4,02,756 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 4139.80 MCM છે અને પાણીનો સંગ્રહ 83.37 ટકા જેટલો થયો છે. પાણીની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને, નદીકાંઠાના ગામોના નાગરિકોને સલામતી માટે સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.