વડોદરાઃ નર્મદાની પંચકોશી પરિક્રમાના પ્રથમ દિવસે 10,000થી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. આ પરિક્રમા 24 કલાક ચાલુ રહી હતી. આ પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓને સુરક્ષા પૂરી પાડવા નર્મદા પોલીસે સુચારી વ્યવસ્થા પૂરી પાડી હતી. અહી શ્રધ્ધાળુંઓને સેવાભાવી સંસ્થાના કાર્યકરો દ્વારા ચા-નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી, સાથે મેડિકલ ઇમરજન્સી સેવા કાર્યો ચાલી રહ્યા છે. નાવીકો દ્વારા પણ નર્મદા નદી પરિક્રમામાં ભાવિકોને નદી પાર કરાવા માટે સેવા કાર્ય ચલાવી રહ્યાં છે. આ પરિક્રમામાં વડોદરાના ડોક્ટર જીગર ઇનામદાર દ્વારા લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે નિશુલ્ક નર્મદા પરિક્રમા કરાવે છે જેનો લાભ લેવા માટે વડોદરાથી હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. તે સિવાય નર્મદા પરિક્રમા ક્ષેત્રમાં સેવાભાવી સંસ્થાનો દ્વારા ખૂબ જ સુંદર ચા નાસ્તા ગાંઠિયા લસ્સી ની વ્યવસ્થા કરી ભાવિકો માટે સેવા કરવામાં આવે છે.
નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાતપુડા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખળખળ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળરાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી ભારતની મુખ્ય પાંચ નદીઓમાંની એક છે તેને મેકલ કન્યા, શિવપુત્રી, પુણ્ય સલિલા, રેવા જેવા અનેક નામોથી લોકો ઓળખે છે. કંકણ કંકણમાં શંકરનો વાસની અનુભૂતિ અને આધ્યાત્મ, તપ, શ્રદ્ધાની દેવી લોકોના દિલમાં રગ રગમાં જળપ્રવાહની જેમ વસે છે. લોકો તેની ભાવથી પરિક્રમા કરે છે. માર્કંડ ઋષિ દ્વારા પ્રથમ આ પરિક્રમા કરવામાં આવી ત્યારથી ભાવિકોમાં શ્રધ્ધા,આસ્થા બેવડાઈ ગઈ છે અને નર્મદા શબ્દની ઉત્પતિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેનેવાલી જળદેવીના દર્શન સ્નાનથી ભાવિકો ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં 14 કી. મી.ની નર્મદાની એક મહિનો ચાલનારી પરિક્રમા કરીને આખી નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય અને ગંગા નદીના કુંભ મેળાના સ્નાન જેટલું જ પવિત્ર માને છે અને મોક્ષ આપનારી સુખ-શાંતિ આપનારી લોકમાતા રેવા કહેવાય છે. અપવાદરૂપમાત્રને માત્ર નર્મદા પૂર્વ થી પશ્ચિમ દિશામાં ઉલટા પ્રવાહે વહે છે એટલે તેને ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા કહેવામાં આવે છે. સ્કંદપુરાણમાં પણ તેનો ઉલ્લેખ અને જાણકારી મળે છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે 14 કિ.મી.ની ભક્તો પૂરી કરે છે. ‘‘આપકી આસ્થા હમારી વ્યવસ્થાના’’ ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા નદીના ચાર ઘાટ પર હંગામી ધોરણે પણ સુંદર અને આકર્ષક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને પરિક્રમાવાસીઓ ખૂબ જ સરાહના કરીને ખુશ- ખુશાલી વ્યક્ત કરતા નજરે પડે છે. નર્મદા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને બિરદાવે છે.
યાત્રાધામ બોર્ડ અને વહીવટી તંત્ર પણ પરિક્રમાવાસીઓની સેવામાં ખડે પગે દિવસ-રાત સેવા માટે તૈયાર છે. પરિક્રમાના બીજા દિવસે રવિવારની રજા હોવાથી હજારોની સંખ્યામાં નદીના પ્રવાહની જેમ માનવ મહેરામણ પગપાળા ચાલતો રહ્યો છે. આનંદ-ઉત્સાહ સાથે પરિક્રમા કરે છે. મોબાઇલથી સેલ્ફી-સંગીત સાથે ખભે ખુમચો, કેસરી વસ્ત્રોમાં સાધુ-સંતો, બાળકો, યુવાનો, મહિલાપોતપોતાના ગૃપ સાથે યાત્રાએ પહોંચ્યા છે. સરકારી નોકરી કરતા લોકો પણ રજા હોવાથી પરિવાર સાથે પરિક્રમામાં મોટી સંખ્યામાં પધાર્યા હતાં. નર્મદા મૈયાના હર પગલે-ડગલે ગુણલા ગાતા આસ્થા-શ્રદ્ધા આધ્યાત્મિકતાના ભાવ સાથે શરીરમાં ઊર્જા ભરીને નદી પુલ પાર કરતા નર્મદે હર નારા સાથે ઉત્તરવાહિનીપરિક્રમા કરી છે અને પોતાના મોબાઇલમાં સેલ્ફી ફોટા લઇને પરિક્રમાની યાદગીરી કેદ કરી છે.