અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં મોડી રાતે એક ચોર ચોરી કરવાના ઈરાદે ધૂસ્યો હતો. દરમિયાન 85 વર્ષના વૃદ્ધા જાગી જતાં કોણ છે, એમ કહીને બુમ પાડી હતી આથી ચોરે લાકડીના ફટકા મારીને 85 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મ ખાતે આ ઘટના ઘટી હતી. દરમિયાન આજુબાજુના લોકો પણ જાગી જતાં આ ચોરને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  ધોળકા તાલુકાના ચલોડા ખાતે સીમ વિસ્તારમાં આવેલા એક ફાર્મમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યા થઈ હતી. ચલોડાના સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મહાઉસ ખાતે ગઈ મોડી રાતના કાળુ ઠાકોર નામનો શખસ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. જો કે, અવાજ થતાં ફાર્મહાઉસમાં ઘરની બહાર સુતેલા તખીબેન ઠાકોર જાગી ગયા હતા. તેમણે આ અજાણ્યા વ્યક્તિને પડકાર્યો હતો. આથી પકડાઈ જવાના ડરથી આરોપીએ લાકડી વડે વૃદ્ધા પર તૂટી પડ્યો હતો, જેમાં તખીબેનને ગંભીર ઇજા થતાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ત્યાર બાદ ચોરે અન્ય એક મકાનની દીવાલને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમયે અન્ય લોકો જાગી જતાં આ ઇસમને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

આ અંગે ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના કહેવા મુજબ  મોડીરાત્રિના 3 વાગ્યા આસપાસ આરોપીએ ફાર્મહાઉસમાં જઈ બહાર સુતેલા વૃદ્ધા પર લાકડી વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યાર બાદ બાજુના મકાનની દીવાલ પર લાકડીના ઘા મારતાં અન્ય લોકો જાગી ગયા હતા અને આ ઇસમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે અગમ્ય કારણોસર ફાર્મ હાઉસ ખાતે વૃદ્ધા પર હીચકારો હુમલો કરી હત્યા નિપજાવવા સબબ ગુનો નોંધ્યો છે. આરોપીની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here