વડોદરાઃ ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે.

કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે.

2016માં કર્નલ સોફિયા એ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેઓ પહેલી મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ASEAN પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઈઝ ‘ફોર્સ 18’માં ભાગ લેનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહી. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વસ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું.

કર્મક્ષેત્રે માત્ર યોધ્ધાની ભૂમિકા નથી ભજવી, પરંતુ તેઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ઓપરેશન્સ અંતર્ગત છ વર્ષની સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કોંગોમાં તૈનાત રહ્યા હતા. શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્વનું કામ કર્યું છે. “વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે,” તેમનો સ્પષ્ટ સંદેશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here