જુનાગઢઃ ગીરમાં રેલવે ટ્રેક પર અવાર-નવાર સિહ આવી જતા હોય છે. તેથી ટ્રેનના પાયલોટએ ભારે સાવચેતી રાખવી પડે છે. જો કે વન વિભાગે પર રેલવે ટ્રેક પર કેટલાક ટ્રેકરોને જવાબદારી સોંપી છે. સિંહનું લોકેશન જાણીને રેલવે ટ્રેક નજીક ન આવે તેની તકેદારી રાખવામાં આવતી હોય છે. પરંતુ ઘણીવાર સિંહ રેલવે ટ્રક પર ટ્રેન આવવાના સમયે આવી જતા હોય છે. આવો જ એક બનાવ તાજેતરમાં દેલવાડા-જુનાગઢ રેલવે ટ્રેક પર બન્યો હતો. ટ્રેન આવી રહી હતી ત્યારે એક સિંહ રેલવે ટ્રેક પર આવી જતા ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી દીધી હતી. અને વન વિભાગના ટ્રેકરની મદદ લઈને ટ્રેક પરથી સિંહને ખદેડ્યા બાદ ટ્રેન રવાના થઈ હતી.
સાસણ ગીર-કાંસિયાનેશ સેક્શનમાં એક મહત્વપૂર્ણ ઘટના બની છે. દેલવાડા-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાઇલોટની સતર્કતાથી એક સિંહનો જીવ બચી ગયો છે. ઘટના 24 માર્ચ 2025ના રોજ બની હતી. લોકો પાઇલોટ ચન્દન કુમાર અને વરિષ્ઠ સહાયક લોકો પાયલટ કેતન રાઠોરે કિલોમીટર 114/4-114/3 વચ્ચે રેલવે ટ્રેક પર સિંહને જોયો. તેમણે તરત જ ટ્રેન નંબર 52951ને ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી.
ટ્રેન મેનેજરને જાણ કરવામાં આવી અને ફોરેસ્ટ ટ્રેકર રાજેશ રાઠૌરે ટ્રેક ક્લિયર કર્યો. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગર રેલવે મંડળ દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 158 સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓએ લોકો પાઇલોટ્સના આ પ્રશંસનીય કાર્યની સરાહના કરી છે.