પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના બોરડીયા ગામના મડારાવાસના 40 જેટલા બાળકોને શાળાએ જવા માટે મંકોડી નદીના વહેતા કેડ સમા પાણીમાંથી પસાર થઇને જવાની ફરજ પડી રહી છે. મંકોડી નદી પર પુલ કે નાળુ મુકવામાં આવ્યું ન હોઇ બાળકો ઉપર જીવનું જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા નદી ઉપર પુલ બનાવવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઊઠી છે.
બનાસકાંઠાનો આદિવાસી વિસ્તાર હજુપણ વિકાસથી વંચિત છે, ત્યારે દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારના બોરડીયા ગામના મંડારાવાસના બાળકોને પ્રાથમિક શાળામાં વિદ્યાભ્યાસ માટે એક કિલોમીટર જેટલું અંતર માર્ગ વચ્ચે પસાર થતી નદી ઓળંગીને કાપવું પડે છે. જ્યાં મંકોડી નદીના સિત્તેર ફૂટ જેટલા પટ ઉપર નાળું કે પુલ ના હોવાને કારણે ચોમાસામાં બાળકોની પરિસ્થિતિ વિકટ બની જાય છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન ઉપરવાસનું પાણી આવવાને કારણે નદી બે કાંઠે થઈ જાય છે. જેને લઈને બાળકો કેડ સમા પાણી કે પછી અતી ભારે વરસાદમાં નદી કાંઠે ઊભા રહેવાની નોબત આવી જાય છે. આ પરિસ્થિતિમાં બાળકોની જાનહાનિની દહેશત પ્રવર્તી રહી છે. બાળકોના ભાવિની ચિંતાને લઈ વારંવાર ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરી છે. છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી.
બોરડીયા ગામના મડારાવાસના બાળકોને જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. દર ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નદીના પટ ઉપર પુલ અથવા નાળુ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. જોકે, તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી.