સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રની લાલ આંખ છતાંયે ખનીજચોરી બેરોકટોક ચાલી રહી છે. ત્યારે ચોટીલાના નાયબ કલેકટર અને તેમની ટીમે દરોડો પાડીને થાનગઢના વીજળિયા ગામ નજીક સફેદ માટીનું ગેર કાયદે થતું ખનન પકડી પાડ્યુ હતું. સ્થળ પરથી બે ડમ્પર, બે હિટાચી મશીન સહિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તંત્ર દ્વારા કડક કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરેન્દ્રનગર  જિલ્લાના થાનગઢ તાલુકાના વીજળિયા ગામે ગેરકાયદે ખનન થતુ હોવાની બાતમી મળતા ચોટીલાના નાયબ કલેકટર અને તેમની ટીમે આકસ્મિક દરોડો પાડ્યો હતો. રાજુભાઈ વિરજીભાઈ ઉમરખાણીયા દ્વારા ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. સ્થળ પરથી બે ડમ્પર, બે હિટાચી મશીન, બે હિટાચી લઇ જવાના પાટલા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક લાઇટ પંખો, 40 ફૂટ પીવીસી પાઇપ, એક સબમર્સીબલ પંપ અને 7 મોબાઇલ મળી આવ્યા છે. કુલ મળીને અઢી કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં આરોપી રાજુભાઈ વિરજીભાઈ ઉમરખાણીયા સામે કલેકટરની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર ખનન કરવા બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમની સામે ગુજરાત પ્રીવેન્શન ઓફ ઈલિગલ માઈનીંગ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન નિયમો 2017 અને જમીન મહેસૂલ કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શરતભંગ કરી જમીન ખાલસા અંગેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here