પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે થરાદમાં મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદને કારણે મલુપુર રોડ પર પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  મુલુપુર રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાથી લોકોમાં નારાજગી છે. પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને કાદવ-કીચડમાંથી પસાર થવું પડે છે. આના કારણે તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે. નાના વાહનચાલકો માટે પણ આ રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે. પાણી ભરાવાને કારણે રોડ પરના ખાડાઓ દેખાતા નથી. આથી અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગણી કરી છે. જેથી ભવિષ્યમાં સામાન્ય વરસાદથી પણ લોકોને પરેશાની ન થાય.

બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાની ફરિયાદો ઊઠી છે. વાવમાં તાલુકા પંચાયતના પ્રાંગણમાં પાણી ભરાયા છે. જ્યારે થરામાં સર્વિસ રોડ ઉપર પાણી ભરાઇ ગયા હતા. સૌથી વધુ વડગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં અઢી ઇંચ વરસાદથી કિર્તિસ્તંભ, જુના બસ સ્ટેન્ડ, ધનિયાણા ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં વરસાદી પાણીની પાઇપલાઇન ચોકઅપ થઇ ગઇ હોવાથી ગોપાલ ટ્રેડ સેન્ટરની આગળ પાણી ભરાઇ જતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા. વાવમાં 20 મી.મી વરસાદથી વાવ તાલુકા પંચાયત, બસ સ્ટેન્ડ આગળ પાણી ભરાયા હતા. થરાના બંન્ને સર્વિસ રોડ ઉપર પાણી ભરાઇ જતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. આ અંગે વેપારી ચમનભાઈ ઠક્કર, શ્રવણજી ઘાંઘોસે જણાવ્યું હતું ,કે વર્ષોથી અમારી સમસ્યા હલ કરાતી નથી આખો દિવસ આ રસ્તે ચાલતા મોટા વાહનો પાણી ઉડાડે છે અને સ્કૂલ જતા બાળકો હેરાન પરેશાન થઇ રહ્યા છે વારંવાર રાષ્ટ્રીય ધોરી માર્ગના અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here