અમદાવાદઃ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી અને મિશ્ર પાકોની ખેતી તરફ વળતા જોવા મળે છે. આવા ઉદ્દમશીલ ખેડૂતોમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સેમર વાવ ગામના પ્રતાપભાઈ પરમારનું નામ ખાસ ઉલ્લેખનીય છે. તેઓએ પોતાની કુલ 7 વીઘા જમીનમાંથી પાંચ વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે અને સાથે મિશ્ર પાક તરીકે અંજીરનું પણ વાવેતર કર્યું છે. આ નવીન પ્રયાસથી તેઓને પ્રથમ વર્ષમાં જ આશાસ્પદ પરિણામ મળ્યું છે.
પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે પ્રથમ વર્ષે જ અંજીરની હાર્વેસ્ટિંગ કરવામાં આવી હોવા છતાં, તેઓને પ્રતિવિઘે અંદાજે ₹20,000 થી ₹22,000નું ઉત્પાદન મળ્યું છે. તેઓના અનુમાન મુજબ આગામી વર્ષે જ્યારે છોડ પૂરતા વિકસશે ત્યારે આ આવક વધીને ₹50,000 પ્રતિ વિઘા સુધી પહોંચી શકે છે. અંજીરનું ફળ નાજુક હોવા છતાં તેનો બજારમૂલ્ય સારો છે. હાલમાં તેઓ ₹15 થી ₹25 સુધી એક ફળના ભાવે વેચાણ કરી રહ્યા છે.
અંજીરની વેચાણ પદ્ધતિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે ફળોને બોક્સ પેકિંગ કરીને સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ઓર્ડર આધારે મોકલવામાં આવે છે. ખેડૂતો માટે મિશ્ર પાકનું મહત્વ વધુ રહે છે કારણકે આ રીતે એક પાક નિષ્ફળ જાય તો બીજાથી લાભ મેળવી શકાય છે. આ સાથે જમીનની સહેજતા જળવાઈ રહે છે અને આવકના સ્ત્રોત પણ વિવિધ રહે છે.
પ્રતાપભાઈનો આ પ્રયાસ બીજાં ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. પરંપરાગત ખેડૂતોથી અલગ માર્ગ પસંદ કરીને તેમણે આંબા જેવી લોકપ્રિય ફળના સાથેજ વધુ પોષક અને નફાકારક પાક અંજીરને મિશ્ર પાક તરીકે પસંદ કરી છે. તેમના કહેવા પ્રમાણે જો યોગ્ય મેનેજમેન્ટ અને જૈવિક પદ્ધતિ અપનાવાય તો અંજીરની ખેતી ઘણો લાભ આપી શકે છે.