ડીસાઃ બનાસકાંઠાના ડીસા સહિત તમામ માર્કેટ યાર્ડમાં હાલ રાજગરાની સારીએવી આવક થઈ રહી છે. ડીસામાં રાજગરાની 5000 બોરીની આવક થઈ છે. ત્યારે રાજગરાની માગ પણ વધી રહી છે. રાજગરાની વિશ્વના અમેરિકા, જર્મની સહિત 10 દેશોમાં નિકાસ થાય છે. જોકે રાજગરાની માગ હોવા છતાંયે  ખેડૂતોને માત્ર 1100નો જ ભાવ મળતા ખેડુતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા એપીએમસીમાં રાજગરાની દૈનિક પાંચ હજારથી વધુ બોરીની આવક નોંધાઈ રહી છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો છે. ડીસા-બનાસકાંઠાના રાજગરાની યુએસ, જર્મની તેમજ અરબ સહિતના 10થી વધુ દેશોમાં માંગ છે. આ અંગે ડીસા યાર્ડના સેક્રેટરી એ.એન.જોષીના કહેવા મુજબ  સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. જિલ્લામાં ત્રણ લાખ બોરીના ઉત્પાદન સામે માત્ર ડીસા એપીએમસીમાં જ વાર્ષિક 1.50 લાખથી વધુ બોરીની આવક નોંધાય છે.  રાજગરાની ખાસિયત એ છે કે તેમાં ઘઉં અને સોયાબીન કરતાં વધુ પ્રોટીન હોય છે. ઘઉંના દાણામાં 12થી 14 ટકા પ્રોટીન હોય છે, જ્યારે રાજગરાના દાણામાં 16 ટકા પ્રોટીન હોય છે. રાજગરામાં 8 ટકા તેલની માત્રા હોય છે, જેનો ઉપયોગ વિમાન, કોમ્પ્યુટર તેમજ સ્પેરપાર્ટ્સમાં ઓઈલિંગ તરીકે થાય છે. આ તેલ હૃદયના ઈન્જેકશનની દવા તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં રાજગરાના ભાવમાં નોંધપાત્ર વધ-ઘટ થઈ છે.. વર્ષ 2019માં પ્રતિ મણ 1307 રૂપિયા, 2020માં 988 રૂપિયા, 2021માં 1088 રૂપિયા, 2022માં 1651 રૂપિયા અને 2023માં 2065 રૂપિયા ભાવ રહ્યો હતો. ડિસેમ્બર-2023માં ભાવ 2700 રૂપિયા સુધી પહોંચ્યો હતો, જે હાલમાં ઘટીને 1150 રૂપિયા થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here