ડીસાઃ બનાસકાંઠામાં હાલ વરસાદી માહોલ છે. આજે મંગળવારે વરસાદે વિરામ લીધો છે, પણ બે દિવસ પહેલા ડીસા અને ધાનેરા વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે હજું પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયેલા છે. ડીસા-ધાનેરા હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઝેરડા ગામથી બાઈવાડા ગામ વચ્ચેનો નવનિર્મિત રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ ત્રણ કિલોમીટર લાંબો રસ્તો બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. પાણી ભરાવાને કારણે સ્થાનિક રહીશો અવરજવર માટે મુશ્કેલીમાં મુકાયા છે.

ડીસા અને ધાનેરા તાલુકામાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં ડીસા-ધાનેરા હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતાં નાના બાળકોને પડી રહી છે. ગ્રામજનોએ સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ પાણીનો નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવાની માંગણી કરી છે. હાલ ડીસા-ધાનેરા હાઈવે પર પણ પાણી ભરાયેલું છે, જે લોકોની અવરજવરમાં અવરોધરૂપ બની રહ્યું છે.

ડીસા તાલુકામાં શુક્રવાર અને શનિવારના રોજ પડેલા ભારે વરસાદથી ઝેરડા ગામનું વ્હોળાનું પાણી વ્હોળા માર્ગે કંસારી અને દામા ગામ તરફ વહી ગયું હતું. જેથી બંને ગામના 50થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાવાથી ખેતરોમાં વાવેલા મગફળી અને બાજરીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here