ડીસાઃ શહેરના ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં ગઈકાલે મંગળવારે ધડાકા સાથે આગ ફાટી નિકળતા 21 શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાથી આજે પોલીસ પાઇલોટિંગ સાથે મૃતદેહો લઇ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. આ બનાવમાં તપાસ માટે સરકારે સીટની રચના કરી છે, દરમિયાન પોલીસે ફટાકડાની ફેકટરીના માલિક પિતા-પૂત્રની ધરપકડ કરી છે. અને સા-અપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ગુનોં દાખલ કરવામાં આવ્યો છે.
ડીસા શહેરમાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીમાં ગઈકાલે મંગળવારે સવારના સમયે ફટાકડામાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થતાં ગોદામ સહિત ફેકટરી ધરાશાયી થતાં 21 શ્રમિકોના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી ગયો હતો. ત્વરિત બચાવ અને રાહતની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ મૃતક શ્રમિકો મધ્યપ્રદેશના હતા. આજે સવારે પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સમાં મૃતકોને તેના વતન મધ્યપ્રદેશમાં રવાના કરાયા હતા.
ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા આરોપી ખૂબચંદે થોડા વર્ષો પૂર્વે ઢૂવા રોડ પર જગ્યા લીધી હતી અને ત્યાં જ પત્નીના નામનું રજીસ્ટ્રેશન મેળવીને ફર્મ ઉભી કરી હતી. અને તમામ બેંકિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા હતા. આરોપી ખૂબચંદે પોતાના ફટાકડાના વ્યવસાયનો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તાર વધાર્યો હતો.
એફએસએલના સૂત્રોના કહેવા મુજબ ફટાકડામાં સુતળી બોમ્બ બનાવવામાં મુખ્યત્વે સલ્ફર, ગન પાવડર અને પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. આ ત્રણેય રસાયણો એક સાથે હોય તો જ ધડાકો થાય છે. ડીસાની ઘટનામાં આ ત્રણેય તત્વોનો 4000 કિલો જેટલો જથ્થો મોટી માત્રામાં એકત્ર કરાયો હોય તો જ આટલો મોટો બ્લાસ્ટ થઇ શકે છે.