અમદાવાદઃ કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2025 થી ટ્રાફિકના નિયમો કડક બનાવ્યા છે. અને નવા ટ્રાફિક નિયમોમાં ટ્રાફિક ભંગના ઘણા કેસમાં દંડ 10 ગણો વધારી દેવામાં આવ્યો છે. નવા કાયદાનો અમલ થયો હોવા છતાંયે ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. દારૂ પીને વાહનો ચલાવવા, હેલ્મેટ કે સિટબેલ્ટનો ઉપયોગ ન કરવો, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં વાહનો ચલાવવા વગેરે સામે કડકાઈથી પગલાં લેવામાં આવતા નથી. અમદાવાદ શહેરમાં તો ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પણ ટ્રાફિક વ્યવસ્થા માટે રખાયેલા ટીઆરપી જવાનો ક્યાંય જોવા જ મળતા નથી.
ભારત સરકારે 1 માર્ચ, 2025 થી કડક ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે. નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ ઘણા કેસમાં દંડ 10 ગણો વધારી દેવામાં આવ્યો છે. સરકારના આ નવા કદમનો હેતુ ખરાબ ડ્રાઇવિંગને રોકવા, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનો છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ, સંભવિત જેલ અને સામુદાયિક સેવાનો પણ સામનો કરવો પડી શકે છે. ટ્રાફિકના નવા નિયમો મુજબ નશામાં ડ્રાઇવિંગ માટે દંડ વધારીને 10,000 રૂપિયા અને/અથવા 6 મહિનાની જેલ કરવામાં આવી છે. વારવાર ગુનો કરે તો તેના પર રૂ. 15,000નો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા થશે, જે અગાઉના રૂ. 1,000 થી રૂ. 1,500ના દંડ કરતાં ઘણો વધારે છે. તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પરનો દંડ 500 રૂપિયાથી વધીને 5000 રૂપિયા કરાયો છે. અગાઉ હેલ્મેટ વગર વાહન ચલાવવા પર 100 રૂપિયાનો દંડ થતો હતો. પરંતુ હવે 1,000 રૂપિયાનો દંડ થશે અને વાહનચાલકનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે. સીટબેલ્ટ ન પહેરવા પર 1000 રૂપિયાનો દંડ પણ નિયમ છે.
આ ઉપરાંત માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા પર સમુદાય સેવા. વીમો ન રાખવા બદલ રૂ. 2,000નો દંડ, તેમજ પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોવા બદલ 10,000 રૂપિયાનો દંડ અને/અથવા 6 મહિનાની જેલ અને ટુ-વ્હીલર પર 2થી વધુ મુસાફરોને લઈ જવા પર હવે 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જ્યારે જોખમી ડ્રાઈવિંગ અથવા રેસિંગ પર 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. એમ્બ્યુલન્સ અથવા ઇમરજન્સી વાહનોને રોકવા પર 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ કૂદવા પર હવે 5,000 રૂપિયાનો દંડ લાગશે. ઓવરલોડિંગ વાહનોને હવે 20,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે, જે અગાઉ 2,000 રૂપિયાના દંડ કરતાં ઘણો વધારે છે. આમ કેન્દ્ર સરકારે ટ્રાફિક ભંગ સામે નિયમો કડક બનાવ્યા છે. પણ હજુ પણ વાહન ચાલકો બિન્દાસ્તથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. (File photo)