ભાવનગરઃ જૂનાગઢ-વેરાવળ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેન આવતી હતી ત્યારે ટ્રેક પર એક સિંહ એક સિંહણ અને ત્રણ બચ્ચા સુતેલા હતા. ટ્રેનના લોકો પાઈલોટે રેલવે ટ્રેક પર 5 સિંહને જોતા જ ઈમરજન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી દીધી હતી. અને લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના ટ્રેકરે દોડી આવીને રેલવે ટ્રેક પરથી સિહને ખદેડ્યા હતા.

ભાવનગર રેલવે ડિવિઝન તળેના જુનાગઢ-વેરાવળ રેલવે ટ્રેક પર 5 સિંહો સુતા હતા, ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રેનના લોકો પાયલટે દૂરથી સિંહોને જોઇ જતા ઇમરજન્સી બ્રેક લગાવી અને તમામ સિંહને બચાવી લીધા હતા, સ્થિતિ સામાન્ય બની ગયા બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ આગળ ધપાવવામાં આવી હતી.

આ અંગે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે 4થી ઓગસ્ટના રોજ લોકો પાયલટ બલિરામ કુમાર (મુખ્યાલય – જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ હરદીપ ગરલા (મુખ્યાલય – જૂનાગઢ) દ્વારા જૂનાગઢ-વેરાવળ મીટરગેજ સેક્શન વચ્ચે કિમી નં. 11/01 થી 11/02 વચ્ચે 5 સિંહો (એક સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચાં) રેલવે ટ્રેક પર સૂતેલા હતા, આથી લોકો પાયલટે પેસેન્જર ટ્રેનને ઇમર્જન્સી બ્રેક લગાવીને રોકી દીધી હતી. ત્યાર બાદ  લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. બાદમાં ફોરેસ્ટ ટ્રેકરે આવીને સિંહોને ટ્રેક પરથી દૂર હટાવ્યા અને તમામ સ્થિતિ સામાન્ય હોવાનું નિરીક્ષણ કર્યા પછી લોકો પાયલટને ટ્રેન આગળ ચલાવવાની મંજૂરી આપી હતી.

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનો ચલાવતા લોકો પાયલટો નિર્ધારિત ઝડપનું પાલન કરીને વિશેષ સતર્કતાથી કામગીરી કરી રહ્યા છે.આ ઘટના અંગે જાણ થતાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા તેમજ અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલટોના આ પ્રશંસનીય કાર્ય માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here