જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અક અકસ્માતનો બનાવ જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામ પાસે બન્યો હતો. શાપર ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પગપાળા ચાલીને જઈ રહેલા એક પ્રૌઢને ઈકો કારના ચાલકે અડફેટે લેતી તેનું મોત નિપજ્યું હતું. પોલીસે નાસી ગયેલા ઈકોકારના ચાલક સામે ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા ગંભીર સિંહ ભગવાનજી જેઠવા ( ઉ,વ.57) બપોરે 12.00 વાગ્યાના અરસામાં જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર શાપર ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અજયસિંહ ગંભીરસિંહ જેઠવાએ સિક્કા પોલીસમાં પોતાના પિતાને ઠોકરે ચડાવી મૃત્યુ નીપજાવનાર ઇકો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાસી ગયેલા ઈકોકારના ચાલક સામે ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે.