જામનગરઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. તેના લીધે વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે જે વિસ્તારોમાં સૌથી વધુ લાઈન લોસ આવે છે એવા વિસ્તારોમાં પીજીવીસીએલના અધિકારીઓને પોલીસના બંદોબસ્ત સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ ગઈકાલે વહેલી સવારથી જ વીજતંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને 42 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો. ચેકિંગ ઝૂંબેશ દરમિયાન કુલ રૂ.44.60 લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે સવારે જામનગર શહેરના રામેશ્વર નગર, ક્રિષ્ના પાર્ક, માટેલ ચોક, નીલકમલ સોસાયટી, ધરાર નગર વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ઉપરાંત જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા કલ્યાણપુર સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 42 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેની મદદ માટે એસઆરપીના 11 જવાનો, 34 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 506 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 92 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ.44.60 લાખના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. (File photo)