જામનગરઃ શહેરના ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતુ, જયારે બીજી મહિલાના બે પગ કપાયા હતા. આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી. આ ઘટના બાદ હીટાચી મશીનનો ઓપરેટર નાસી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગર શહેરના ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જયારે બીજી મહિલાના બે પગ કપાયા હતા. આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી. હિટાચી મશીનનો ઓપરેટર ભાગી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જમાવ્યા મુજબ જામનગર શહેરના ઢીંચડા રોડ પર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરાયું છે, અને પૂજા બિલ્ડર્સ નામની પેઢી દ્વારા આ સ્થળે ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાનું કામકાજ રાખવામાં આવ્યું છે. જે કંપનીના કામ હેઠળ સોમવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીન દ્વારા ખોદાણ ચાલી રહ્યું હતું. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બે મહિલાઓ એકાએક હિટાચી મશીન નીચે દબાઈ હતી. જેમાં ઢીંચડા રોડ પર રહેતી અને મજૂરી કામ કરતી મધુબેન નારણભાઈ સુરડીયા નામની 55 વર્ષની પ્રૌઢ મહિલા, કે જે રિવર્સમાં આવી રહેલા હીટાચી મશીન નીચે દબાઈ જવાથી તેણીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હિટાચી મશીનની નીચે દબાઈ જવાના કારણે તેના દેહનો છુંદો નીકળી ગયો હતો, મહિલા સાથે ચાલી રહેલી અન્ય એક મહિલા આઇશાબેન ખફી, કે જેના બે પગ કપાયા હતા, અને તેણીને 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેણીની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સમગ્ર બનાવની જાણ થતાં સૌપ્રથમ આ વિસ્તારના વિપક્ષી કોર્પોરેટર રાહુલ બોરીચા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરથી 108 ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી, તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી 108 ની ટીમે ઈજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડી હતી. જ્યારે ફાયરની ટીમે હિટાચી મશીનની નીચે દબાયેલા મહિલાના મૃતદેહને ભારે જહેમત લઈને બહાર કાઢી પોલીસને સુપરત કરી દીધો હતો. સીટી સી. ડિવિઝનની પોલીસ ટીમે ઘટના સ્થળે દોડીજઇ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને હીટાચી મશીનનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો.