રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રાજ્યભરમાં 1200થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. આ વખતે ખાનગી ટ્રાવેલ્સની બસોના ભાડામાં તોતિગ વધારો કરાયો હોવાથી એસટી બસોના પ્રવાસી ટ્રાફિકમાં જબરો વધારો થયો છે. રાજકોટ એસટી ડેપો પર જન્માષ્ટમીના તહેવારોના કારણે હાલ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા દરરોજ દોડતી 513 બસો ઉપરાંત વધારાની 50 એકસ્ટ્રા બસ દોડાવાઈ રહી છે. જો કે, તેમ છતાં વોલ્વો બસમાં વેઈટીંગ ચાલી રહ્યું છે અને એક્સપ્રેસ બસોમાં બુકિંગ વગર જગ્યા મળવી મુશ્કેલ છે. જન્માષ્ટમીના તહેવારનો ધ્યાનમાં રાખી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા દ્વારકા, સોમનાથ, ઘેલા સોમનાથના રૂટ પર એકસ્ટ્રા બસો દોડાવાઈ રહી છે.

રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી હાલ 513 જેટલી બસોનું સંચાલન થઈ રહ્યું છે. જેમાં દૈનિક 25,000 થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસમાં 50 નો વધારો કરવામાં આવ્યો છે અને તેથી દૈનિક 2500 જેટલા મુસાફરોને ફાયદો થશે.

શ્રાવણ માસને ધ્યાને રાખીને રાજકોટથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, દ્વારકા તેમજ ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનાના સોમવારે શ્રદ્ધાળુઓ માટે સોમનાથની એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને દ્વારકા જતી એસટી બસમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટ એસટી ડિવિઝન હેઠળ કુલ 500 થી વધુ એસટી બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા 50 બસો દોડી રહી છે. રાજકોટ એસટી ડિવિઝનની હાલ દૈનિક આવક રૂપિયા 60 લાખ જેટલી છે પરંતુ આ આવક વધીને હાલ રૂપિયા 70 લાખથી પણ વધી ગઇ છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી સોમનાથ, દ્વારકા, અમદાવાદ, ભૂજ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા એસટી બસો મુકવામાં આવી રહી છે. જોકે મહત્વની વાત એ છે કે એક્સ્ટ્રા બસોનું ભાડું સવા ગણું વસૂલવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here