અમદાવાદઃ જન્માષ્ટમી પર્વના તહેવારોની રજાઓમાં રાજ્યના દરેક ફરવા લાયક સ્થળોએ તેમજ ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઈકાલે જન્માષ્ટમીના પર્વમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. અને આજે રવિવારે પણ સવારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકની તમામ હોટલો અને ટેન્ટસિટીમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના બીજા પ્રકલ્પો જોવા માટે પ્રવાસીઓ નર્મદા ખાતે ઉમટી પડ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના બીજા પ્રકલ્પો માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. 3 દિવસની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનાર પ્રવાસીઓને પગલે આ વિસ્તારમાં આવેલ હોટલ અને ટેન્ટ સિટી ફૂલ થઈ ગયા છે. તો, 15મી ઓગસ્ટના રોજ એક જ દિવસમાં 40,000 કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. તો ગઈકાલે જન્માષ્ટમીના દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, અને આજે રવિવારે પણ સવારથી પ્રવાસીઓ કાર અને ખાનગી બસો દ્વારા આવી રહ્યા છે.
ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આજુબાજુના ડુંગરોએ પણ લીલાછમ જોવા મળી રહ્યા છે. સરદાર સરોવર ડેમ અને આસપાસની ગિરી કંદરાઓનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અનેક બીજા પ્રોજેકટ છે જે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.