સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે પ્રણાલિકા અનુસાર ચૈત્ર માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે ચૈત્ર માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી. સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ  યોગેન્દ્ર દેસાઈ,  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ  સુકાંત કુમાર સેનાપતિ,  વ્યંકટેશ્વર વૈદિક યુનિવર્સિટી કુલપતિ  સદાશીવ મુર્તિ રાની, ટ્રસ્ટના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા, સોમનાથ તીર્થના સ્થાનિક તીર્થ પુરોહિતો સહિતના મહાનુભાવો તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.

માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here