અમદાવાદઃ શ્રાવણ મહિનાનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. દેવાધિદેવ મહાદેવજીની પૂજા-અર્ચના માટે શ્રાવણ મહિનાનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ઘેલા સોમનાથમાં વીવીઆઈપીના ભોજન માટે પ્રથામિક શાળાના 48 શિક્ષકોને વ્યવસ્થાની જવાબદારી સોંપવાનો જસદણ પ્રાંત અધિકારીએ નિર્ણય લેતા વિરોધ ઊભો થયો હતો. પ્રાથમિક શિક્ષકોને બાળકોને ભણાવવાનું કાર્ય છોડાવીને વીવીઆઈપીની સેવામાં એક મહિના સુધી જોતરવામાં આવે તો બાળકોના શિક્ષણ પર અસર પડી શકે છે, પ્રાંત અધિકારીના નિર્ણય સામે ભારે વિવાદ થયા બાદ આ પરિપત્ર રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા હતા.
સોમનાથના પવિત્ર શ્રાવણી મેળામાં આ વર્ષે રાજકોટની જસદણ પ્રાંત કચેરી દ્વારા એક અનોખો અને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. જે શિક્ષકોની જવાબદારી બાળકોને શિક્ષણ આપવાની છે, તેમને આ મેળામાં વીવીઆઈપી ભક્તોની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ભારે વિવાદ થયા બાદ આ પરિપત્ર રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે..
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે 2025માં ઘેલા સોમનાથ ખાતે યોજાનારા શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું હતું. જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો. હુકમ મુજબ આજુબાજુની 10થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને VVIPની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી. ત્યારે હવે ભારે વિવાદ થતાં આ વિવાદિત હુકમને રદ કરાયો છે.
શિક્ષકોને શિક્ષણ સિવાય વસ્તી ગણતરી, તીડ ભગાડવા સહિતના 48થી વધુ કામોમાં જોઈ ચૂક્યા છીએ પરંતુ હવે VVIPને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં તેની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે એક તરફ રાજ્યમાં પહેલેથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટાપાયે ઘટ છે ત્યારે જો શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ સામેલ કરાશે તો વિદ્યાર્થીઓને શિક્ષણ કોણ આપશે.