અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરાતા તેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ હડતાળની જાહેરાત કરી છે. આ મામલે હાઈકોર્ટના વકીલોની કમિટીની રચના કરાયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરવાનો નિર્ણય કરાયો છે.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે કમિટીની રચના કરાયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરાશે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પ્રસ્તાવિત બદલીઓ અંગે હજુ સુધી જાહેર નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બદલીઓની યાદી એક કે બે દિવસમાં કેન્દ્ર સરકારને પુષ્ટિ માટે મોકલવામાં આવે એ પહેલાં ફક્ત કેટલીક નાની ઔપચારિકતાઓ બાકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ માં CCTV કેમેરા લગાવવામાં વિલંબના મુદ્દે હાઇકોર્ટના જ IT રજિસ્ટ્રાર વિરુદ્ધ આકરાં અવલોકનો સાથે કરવામાં આવેલા એક આદેશને હાઇકોર્ટની ડિવિઝન બેંચે રદ કર્યો છે. હાઇકોર્ટના સિંગલ જજના આદેશને હાઇકોર્ટના જ રજિસ્ટ્રારે હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ પડકાર્યો હતો, જેમાં ડબલ જજની બેંચે જસ્ટિસ સંદીપ ભટ્ટના આદેશને રદ કરતાં ઠરાવ્યું હતું કે સિંગલ જજ દ્વારા CCTV કેમેરાના મુદ્દે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાની તેઓ પ્રશંસા કરે છે, પરંતુ સાથોસાથ સંપૂર્ણ આદર સાથે તેઓ માને છે કે સિંગલ જજ તેમની ન્યાયિક ક્ષમતામાં કોઈપણ રીતે રજિસ્ટ્રીને આ મુદ્દે આદેશ આપવાનો અધિકાર ધરાવતા નથી. આ વિષય ચીફ જસ્ટિસના અધિકાર ક્ષેત્ર અને નિયંત્રણ હેઠળનો મામલો છે. અને એ રીતે સિંગલ જજનો આદેશ ચીફ જસ્ટિસની સત્તા, નિયંત્રણ અને સર્વોપરિતા વિરુદ્ધ જાય છે.