26 જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દેશભરમાં 76મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે (આઈ.એ.એસ) રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી. આ પ્રસંગે શ્રી મનીષ ગુરમાની (આઈ.એ.એસ) સહિત ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના આપતાં જણાવ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે સ્વતંત્ર ભારતમાં આપણો જન્મ થયો અને દેશની પ્રગતિના આપણે સાક્ષી બન્યા છીએ. તેમણે કહ્યું કે આપણો દેશ 1947માં આઝાદ થયો અને 26 જાન્યુઆરી 1950થી આ દેશનું શાષન પ્રજાના હસ્તક થયું અને ખરા અર્થમાં લોકશાહી આપણા દેશમાં સ્થાપિત થઇ છે અને ત્યારથી જ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેમાં આપણે પણ બનતો સહયોગ આપીએ. વધુમાં તેમણે કહ્યું કે વિશ્વમાં કેટલાક દેશોમાં શહેરોનો, જ્યારે કેટલાક દેશોમાં અમુક ક્ષેત્રોનો વિકાસ વધુ થયેલો જોવા મળે છે. પરંતુ ભારતમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, કૃષિ હોય કે ઉદ્યોગ – દરેક રીતે સર્વસમાવેશક વિકાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ દેશના વિકાસમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પણ ઘણી મહત્વનો ભાગ ભજવે છે આપણને સહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરવાની તક મળી છે. આપણે શક્ય એટલા બધા પ્રયાસો કરીને સમાજને, ગુજરાતને અને દેશને વિકાસ તરફ વધુ આગળ લઈ જવા શક્ય એટલા બધા પ્રયાસ કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here