અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતકના અભ્યાસક્રમમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેજર અને માઈનોર વિષયને લઈને સ્પષ્ટતાઓ કરી છે. જે મુજબ, મેજર અને માઈનોર વિષય સમાન રાખી શકાશે નહીં. જ્યારે હવે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કોલેજમાં ન હોય તેવા માઈનોર વિષય અન્ય કોલેજમાં જઈને ભણવા છૂટ આપી છે. એટલે વિદ્યાર્થીઓ માઈનોર વિષયો અન્ય કોલેજમાં જઈને ભણી શકશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ ફેકલ્ટી ડીન અને તમામ ફેકલ્ટીના બોર્ડ ઑફ સ્ટડીઝના ચેરમેન અને બોર્ડ ઑફ સ્ટડીઝના મેમ્બર્સને પરિપત્ર દ્વારા જણાવ્યું છે. કે, એનઈપી અંતર્ગત યુજી કોર્સીસમાં સેમેસ્ટર-5 અને 6માં વિવિધ કોલેજો દ્વારા ઓફર કરવામા આવેલા મેજર અને માઈનોર વિષય સમાન રાખી શકાશે નહીં.  યુજી સેમેસ્ટર-5 અને 6માં વિવિધ કોલેજો દ્વારા મંજૂર કરવામાં આવેલા મેજર અને માઈનોર વિષય અલગ અલગ રાખી બોર્ડ ઑફ સ્ટડીઝના ચેરમેન અને મેમ્બરોએ 24 તારીખ સુધીમાં યુનિ.એકેડેમિક વિભાગમાં જમા કરવાના રહેશે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોના આચાર્યોને પણ પરિપત્ર દ્વારા જણાવવામા આવ્યું છે કે, કોઈ પણ ફેકલ્ટીના વિદ્યાર્થી માઈનોર અને મેજર વિષય એક સમાન રાખી શકશે નહીં.

ગુજરાત યુનિવર્સિટીએ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે. કે, માઈનોર વિષયની પસંદગી જે તે વિદ્યાર્થીની સ્વયં રૂચિ પર નિર્ભર છે. માઈનોર વિષય વિદ્યાર્થી સેમેસ્ટર-6 સુધી સરખો રાખી શકશે અથવા સેમેસ્ટર-3 પછી બદલી શકાશે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીબીએ, બીસીએ, બીએસ, પર્ફોમિંગ આર્ટસ અને જર્નાલિઝમ સહિતના વિવિધ ફેકલ્ટીના જેટલા માઈનોર વિષય છે. તે ઈન્ટર ફેકલ્ટીના માઈનોર વિષયને વિદ્યાર્થીઓને એનઈપી બાસ્કેટ પૈકીની ગાઈડલાઈન મુજબ ઑફર કરી શકાશે. જો કોઈ કોલેજમાં વિદ્યાર્થીની પસંદગીનો માઈનોર વિષય ભણાવાતો ન હોય કે ઑફર ન થતો હોય તો વિદ્યાર્થી પોતાની મૂળ કોલેજના આચાર્યની મંજૂરી લઈને પોતાની રૂચિ મુજબના માઈનોર વિષયની જરૂરી ક્રેડિટ મેળવવા યુનિ. સંલગ્ન અન્ય માન્ય સંસથા-કોલેજમાં જઈ શકશે. એટલે કે વિદ્યાર્થી અન્ય કોલેજમાં જઈને માઈનોર વિષય ભણી શકશે પરંતુ જે મૂળ કોલેજ છે ત્યાં પરીક્ષા ફોર્મ ભર્યા પહેલા વિદ્યાર્થીએ ક્રેડિટ જમા કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here