અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે તાજેતરમાં સી આર પાટિલના સ્થાને જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપનું સુકાન સંભાળ્યા બાદ જગદિશ વિશ્વકર્માએ પ્રદેશ સંગઠનના માળખામાં મોટા ફેરફાર કરવાની દિશામાં કવાયત શરૂ કરી દીધી છે. નવા પ્રમુખના આગમનથી કમલમમાં ધમધમાટ શરૂ થયો છે, અને આગામી એકાદ-બે સપ્તાહમાં જ પ્રદેશ માળખાની રાજકીય સર્જરી થશે એવુ કહેવાય છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ ગણતરીના મહિનાઓમાં જ યોજાશે. એટલે પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું મુખ્ય લક્ષ્ય મહાનગર અને પાલિકાઓની ચૂંટણીઓ જીતવાનું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને, તેઓ સંગઠનને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા માટે નવી ટીમ બનાવશે. પ્રદેશ માળખાને નવો ઓપ આપવા પાછળનો મુખ્ય હેતુ સંગઠનની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. અને કેન્દ્રીય નેતૃત્વએ પણ સંગઠનમાં ફેરફારોને લીલીઝંડી આપી દીધી છે. વિશ્વકર્મા સામાજિક અને રાજકીય પાસાઓને ધ્યાનમાં રાખીને નવી ટીમ બનાવે તેવી ચર્ચા છે. આ નવી ટીમમાં માત્ર નવા અને યુવા નેતાઓને જ નહીં, પરંતુ જરૂર પડ્યે કેટલાક જૂના અને અનુભવી જોગીઓને પણ સ્થાન મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ ભાજપના માળખામાં ઉપાધ્યક્ષ અને મહામંત્રી સહિત સંગઠનના અનેક મહત્વના પદોમાં પરિવર્તન થશે. હાલના ઉપાધ્યક્ષો અને મહામંત્રીઓ પૈકી અડધોઅડધ બદલાઈ જશે. મહામંત્રીની જગ્યા ખાલી પડી છે, તેના પર પણ નવી નિયુક્તિ થશે. સંગઠનના આ મહત્વના પદ પર કોને જવાબદારી સોંપાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. પ્રદેશ માળખામાં સ્થાન મેળવવા માટે દાવેદારોએ પોતાના ગોડફાધરોની ભલામણ થકી લોબિંગ શરૂ કર્યું છે. અત્યારે તો પ્રદેશ માળખામાંથી કોની વિકેટ પડશે અને કોને ચાન્સ મળશે તે અંગે અટકળો ચાલી રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની પણ અટકળો ચાલી રહી છે. દિવાળી બાદ અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ થશે તેવી ચર્ચા ચાલી રહી છે. ભાજપની સરકારમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ જવાબદારીઓ વહન કરી રહ્યા છે. એટલે વિશ્વકર્મા હાલ મંત્રીપદેથી રાજીનામું આપે તેવી શક્યતા નહીવત છે. ભાજપ પ્રમુખપદ સંભાળ્યા પછી પણ વિશ્વકર્મા સચિવાલયમાં દેખાયા હતા અને વિધાનસભા પોડિયમમાં સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં પણ તેમણે હાજરી આપી હતી. જો તેઓ મંત્રીપદેથી રાજીનામું આપે તો સહકાર મંત્રીનો હવાલો અન્ય મંત્રીને સોંપવો પડે. હાલની પરિસ્થિતિ જોતા, જ્યાં સુધી મંત્રીમંડળનું વિસ્તરણ ન થાય ત્યાં સુધી વિશ્વકર્મા મંત્રીપદ (સહકાર મંત્રી) અને પ્રમુખપદ બંને પદ જાળવી રાખશે તેમ લાગી રહ્યું છે.