ગાંધીનગરઃ ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મુકી રાજ્યમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ઇ-ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાનો બારીક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારિત અભ્યાસમાં ક્રાઇમ ટ્રેન્ડ અને હોટ સ્પોટનું વિશ્લેષણ કર્યા બાદ ચાર મુખ્ય કમિશ્નરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવ્યા છે, જ્યાં સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન શરીર સંબંધી ગુનાઓ વધુ બન્યા હોવાનું ધ્યાને આવ્યુ છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂપે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે આ ગુનાઓને નિયંત્રણમાં રાખવા મહત્વપૂર્ણ સાબિત થશે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઇલ એનાલીસીસ કરવામાં આવ્યુ તેમાં ધ્યાને આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે 25 ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં બન્યા છે. એટલુ જ નહિ, આ ગુનાઓ પૈકી 45 ટકા ગુનાઓ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે.
તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના 50 પોલીસ સ્ટેશન પૈકી 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ શરીર સંબંધી 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યુ છે. તે જ રીતે સુરત શહેરના કુલ-33 પોલીસ સ્ટેશન પૈકી 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં, વડોદરા શહેરના કુલ-27 પોલીસ સ્ટેશન પૈકી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રાજકોટ શહેરના કુલ-15 પોલીસ સ્ટેશન પૈકી 05 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યુ છે.
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ડિટેઇલ એનાલીસીસને અંતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શરીર સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા માટે હોટસ્પોટ બનેલા ચાર મહાનગરોના ૩૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan)પ્રોજેક્ટ અમલમાં મુકી “Evening Policing” પર ખાસ ભાર મુક્યો છે.