અમદાવાદઃ રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે કે,  ચાલુ વર્ષ -2025માં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવાં મોટા શહેરી વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલન કરવાનું એસ.ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ડાકોર,  દ્વારકા,  શામળાજી તેમજ  મહત્વના જિલ્લા-તાલુકા કક્ષાના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોની જરૂરિયાતો અને સલામતીને ધ્યાને રાખીને ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં 1000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે નાગરિકોની જરૂરિયાતને ધ્યાને રાખીને 1200 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here