ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ 2025માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે 13 ટકાના ગ્રોથ સાથે ₹14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ માત્ર રાજ્યની મજબૂત બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ દર્શાવતું નથી, પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત@2047’ના રોડમૅપ દ્વારા સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં ટોપ અચીવર બનવાથી લઇને સ્ટાર્ટઅપ રેંકિંગમાં બેસ્ટ પર્ફોર્મરનો ખિતાબ પ્રાપ્ત કરનાર ગુજરાત આજે વૈશ્વિક વ્યાપાર પરિદૃશ્યમાં એક ચમકતો તારો બનીને ઉભરી આવ્યું છે.
ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કર્યું
એપ્રિલ 2025માં ગુજરાતનું GST કલેક્શન ₹14,970 કરોડ રહ્યું છે, જે એપ્રિલ 2024ના ₹13,301 કરોડની સરખામણીએ 13 ટકાનો વધારો દર્શાવે છે. GST કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર (₹41,645 કરોડ) અને કર્ણાટક (₹17,815 કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. જોકે, GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઇએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13 ટકા હતો, જે એપ્રિલ 2025માં ઘટીને 11 ટકા થયો છે. જ્યારે ગુજરાતે 13 ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી ₹73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ 2023-24ના ₹64,133 કરોડની સરખામણીએ 14 ટકાનો વધારો દર્શાવે છે.