અમદાવાદઃ ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળ્યા બાદ ગઈકાલથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ગુજરાતભરમાં તા. 17મી એપ્રિલ સુધી તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે.ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે, અમદાવાદ સહિત મહાનગરોમાં અસહ્ય તાપમાનને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. અને તાય 17મી સુધી તાપમાનમાં ઘટાડો થવાની કોઆ શક્યતા નથી.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીથી જનજીવન પર અસર જોવા મળી રહી છે, બપોરના ટાણે શહેરોમાં જ નહીં પણ હાઈવે પર પણ ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા ગરમીમાંથી થોડી રાહત બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમીના બીજા રાઉન્ડની આગાહી કરી દીધી છે. બે દિવસ એટલે કે તા. 17મી એપ્રિલ સુધી તાપમાનમાં સરેરાશ બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
હવામાનના આગાહીકાર પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ ગરમીનો પારો ઉચકાવાની આગાહી કરી છે. દેશ સહિત ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. તેની સાથે હિટસ્ટ્રોકના કેસ પણ વધ્યા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગુજરાતના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. વાતાવરણે ભયંકર રીતે કરવટ બદલી છે. હવે આકાશમાંથી અગન જ્વાળા વરસશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. આજથી ગુજરાત હિટવેવની ચપેટમાં આવી જશે. ગુજરાતમાં હિટવેવના નવા રાઉન્ડનું લોજિક એવું છે કે, ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચો ચઢાવશે.