ગાંધીનગર: રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. તેના લીધે લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ અટકાવવા માટે કડક કાયદો બનાવવા સરકાર વિચારણા કરી રહી છે. જેના માટે લોકો પાસે સુચનો માગવામાં આવ્યા છે.
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વધતા કેસો સામે સરકારે હવે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. આરોગ્ય વિભાગે ખાદ્ય સલામતી અને ધોરણ અધિનિયમ 2006 (Food Safety & Standards Act, 2006) હેઠળ દંડની જોગવાઈઓમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી છે. હવે જો કોઈ વેપારી કે ઉત્પાદક દ્વારા હાનિકારક ખોરાક વેચવામાં આવે અને તેનાથી માનવ મૃત્યુ થાય, તો તેમના માટે સાત વર્ષથી લાઇફ ટાઇમ જેલ તેમજ રૂ. 10 લાખનો દંડ ફરજિયાત બનાવવામાં આવશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “હવે સામાન્ય ભેળસેળ નહીં ચલાવાય. જો ખાદ્ય પદાર્થ હાનિકારક છે અને તેનો સીધો સંબંધ માનવના આરોગ્ય કે મૃત્યુ સાથે જોડાય છે, તો તે નરાધમોને કાયદો છોડશે નહીં. આપણે નિયમો કડક કરી રહ્યા છીએ. આગામી દંડની જોગવાઈ હવે ગંભીર હોય તેવી બનાવીશું. રાજ્ય સરકાર દ્વારા આ સુધારાઓ પૂર્વે જન સહભાગિતાની વિચારણા કરાઈ છે. તેના અંતર્ગત રાજ્યના નાગરિકો, ઉદ્યોગકારો, અનજીઓ કે તબીબી ક્ષેત્રના નિષ્ણાતો પાસે 30 દિવસની અંદર ઓનલાઈન સૂચનો અને અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. તે આધારે કાયદામાં સુધારા કરવામાં આવશે.
હાલની જોગવાઈ પ્રમાણે સામાન્ય ભેળસેળ માટે સામાન્ય દંડ અથવા સાવચેતી આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં છાશ-મીઠાઈ, બટાકાવડા, ઘી, મસાલા, તેલ વગેરેમાં ભેળસેળના ઘણા કેસોમાં લોકોના આરોગ્ય પર ભારે અસર થઈ છે. કેટલીક જગ્યાએ ગંભીર બીમારીઓ અને મૃત્યુના બનાવો પણ સામે આવ્યા છે. પ્રજાના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં થાય. દરેક નાગરિકને ભેળસેળમુક્ત અને સુરક્ષિત ખોરાક મળે એ સરકારનો ધ્યેય છે.