અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 189 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે દિવસ દરમિયાન આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા રહ્યા છે. રાજ્યભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યાર સુધી સરેરાશ 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 62 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.
ગુજરાતમાં ગયા વર્ષે 23મી ઓગસ્ટ સુધી સિઝનનો સરેરાશ 26 ઈંચ સાથે 75 ટકા વરસાદ વરસ્યો હતો. આ વખતે રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી વધુ 84.58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 84.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 83.59 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 42 તાલુકા એવા છે, જ્યાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઈંચની રીતે વલસાડનો કપરાડા તાલુકા 101.37 ઈંચ સાથે મોખરાના સ્થાને છે. આ સિવાય તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં 80 ઈંચથી વધુ મેઘમહેર થઈ ચૂકી છે. જો કે, હજુ પણ ગુજરાતના કેટલાક તાલુકા એવા છે જ્યાં 60 ટકાથી પણ ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા-હારીજ-શંખેશ્વર-સાંતલપુર-સમી-રાધનપુર, બનાસકાંઠાના સુઇગામ, અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના પોસિના, મહેસાણાના જોટાણા-કડી, અમદાવાદના ધોલેરા-સાણંદ, છોટા ઉદેપુરના ક્વાંટ-નસવાડી, પંચમહાલના ઘોઘંબા-હાલોલ-મોરવા હડફ, ખેડાના ઠાસરાનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે.
ગુજરાતના 62 જળાશયોમાં 100 ટકા, 72માં 70 ટકાથી 100 ટકા, 31 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા, 24 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જ્યારે 17 જળાશયોમાં 25 ટકાથી ઓછું જળસ્તર છે. ગુજરાતમાં આજે બપોર સુધીમાં 189 તાલુકામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે વરસાદની ભારે આગાહી કરી છે.