ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDY હેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં PM જન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ 1.94 કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. 01 જુલાઈથી 30 સપ્ટેમ્બર-2025 સુધી ત્રણ મહિના માટે વિશેષ રીતે નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ, વીમા અને પેન્શન યોજનાઓની ઘર આંગણે નજીવા દરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને જરૂરિયાત નાગરિકોને આર્થિક અને સામાજિક સલામતી પૂરી પાડવામાં આવી રહી છે.
કેન્દ્રની આ યોજનાઓનો લાભ રાજયના છેવાડાના નાગરિકને ઘર આંગણે વિનામૂલ્યે મળી રહે તે માટે રાજ્યની 14.610 ગ્રામ પંચાયતો તથા શહેરી સ્થાનિક સંસ્થાનોમાં આ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં મદદરૂપ થવા સેવારત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક-VCEને આ જવાબદારી આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તાજેતરમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ જે નાગરીકોને બેંકમાં ખાતું ના હોય તો ખોલાવવા ઉપરાંત KYC તેમજ જે ખાતામાં વારસદારોની નોંધણી બાકી હોય તેમાં નોંધણી કરાવવી, ડિજિટલ છેતરપિંડી નિવારણ, બેંકમાં દાવા વગરની થાપણો અંગે વિવિધ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સંદર્ભે વધુ વિગતો માટે નજીકની બેંક શાખા, બેંક મિત્ર કે VCEને સંપર્ક કરવાનો રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા ‘વિકસિત ભારત’ના વિઝન અંતર્ગત ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ને ગુજરાતમાં સફળ બનાવવા રાજ્ય સ્તરીય પ્રારંભ ગત તા. 01 જુલાઈ 2025ના રોજ ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામમાંથી કરાયો હતો. જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.