અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે અષાઢના પ્રરંભ પહેલા જ મેધરાજાનું વાજતે ગાજતે આગમન થયું હતું. રાજ્યમાં સીઝનનો 64 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મોટાભાગના ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે મગફળીનું 20.11 લાખ હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે મગફળીના સારા ભાવ મળ્યા હોવાથી મગફળીના વાવેતરમાં વધારો થયો છે.
ગુજરાતમાં તલ અને તેલિબીયાંના પાકમાં અગ્રેસર રહેતા સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચાલુ વર્ષે મગફળીના પાકનું વાવેતર નોંધપાત્ર રીતે વધાર્યું છે. આ વર્ષે 20 લાખ હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે, જ્યારે કપાસના પાકનું વાવેતર ઘટ્યું છે. રાજ્યમાં ખરીફ સિઝનમાં મગફળીનું વાવેતર 20.11 લાખ હેક્ટર જમીનમાં પહોંચી ગયું છે. મગફળીના વાવેતરમાં આ વધારો ટેકાના ભાવમાં થયેલા વધારાને કારણે થયો છે, જે ખેડૂતો માટે આકર્ષક બન્યો છે.
કપાસની સરખામણીમાં મગફળીનો પાક ઝડપથી તૈયાર થઈ જાય છે, જેના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીના વાવેતર તરફ વળ્યા છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, રાજકોટ જિલ્લામાં 5.27 લાખ હેક્ટર વાવેતર લાયક જમીનમાંથી 5.10 લાખ હેક્ટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. જોકે, હજુ પણ 17 લાખ હેક્ટર જમીનમાં વાવેતર બાકી છે, જે ખેડૂતો માટે વધુ તકો સૂચવે છે વર્ષ 2025-26 માટે મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 6,783થી વધીને રૂ. 7,263 થયો છે, એટલે કે પ્રતિ મણનો ટેકાનો ભાવ રૂ. 1400 આસપાસ થયો છે. જોકે, બજારમાં મગફળીના ભાવ રૂ. 900થી રૂ. 1,200 વચ્ચે સ્થિર રહ્યા છે. તેમ છતાં, અનુકૂળ મૌસમી પરિસ્થિતિ અને ઊંચી ઉપજની આશા સાથે ખેડૂતો મગફળીના વાવેતર તરફ આકર્ષાયા છે.
ઉલ્લેખનીય છે કે, 2023માં મગફળીનું વાવેતર સરેરાશ 17.51 લાખ હેક્ટર જેટલું હતું.પરંતુ આ વર્ષે એટલે કે,2025 અડધી સીઝન જ ગઈ છે, ત્યાં સુધીમાં જ વાવેતર પહોંચ્યું છે 20.11 લાખ હેક્ટરે પહોંચી ગયું છે.ગયા વર્ષે 2024માં 19.68 લાખ હેક્ટર વિસ્તારમાંથી 52 લાખ ટન મગફળી ઉત્પન્ન થઈ હતી. આ વર્ષે પણ જો સરેરાશ ઉપજ 2650 કિલો પ્રતિ હેક્ટર રહે તો નવો વિક્રમ બની શકે છે.