ગાંધીનગરઃ ભારત સરકાર દ્વારા આવતી કાલ તા. 8 ઓગસ્ટથી તા. 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા.8થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત 79માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, તેમ રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

મંત્રી  સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની થીમ પર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન યોજાશે. જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ક્રમશ તા. 9 ,10 ,11 અને 12 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા મથક, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ યાત્રામાં રાજ્યભરની અનેક સંસ્થાઓ સહભાગી થશે. તિરંગા યાત્રા ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છતા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે અને શહેરોને સ્વચ્છ રાખવા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, આ અભિયાનના ભાગરૂપે આગામી તા.12 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવામાં આવશે. રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here