અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોને લીધે કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા હતા.પણ હવે પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1 થી 6 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં રાહત મળી છે. નલિયા, રાજકોટ, અમરેલી, ડીસામાં જ્યાં સિંગલ ડિજિટમાં તાપમાનનો પારો જતો હતો ત્યાં પણ આજે લઘુત્તમ તાપમાનમાં ડબલ ડિજિટમાં જોવા મળ્યો હતો, જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના કહેવા મુજબ જાન્યુઆરીના અંતમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે
ગુજરાતમાં હાલ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1 થી 6 ડિગ્રીનો વધારો થયો છે.તેનું મુખ્ય કારણ છે કે અત્યાર સુધીમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા હતા તેને બદલે પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ તથા પૂર્વ દિશા તરફથી થઈ છે. જેને કારણે તાપમાનમાં આંશિક વધારો થતા ઠંડીથી રાહત મળી છે. બીજી તરફ ગુજરાત નજીકથી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાથી ઠંડીનું જોર ઘટયું હતું. જોકે આગામી 24 થી 36 કલાક તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહિવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાયું હતું એટલે કે ઠંડી માંથી રાહત મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. તથા અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાકમાં દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈને 17.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગનું કહેવું છે કે એક સપ્તાહ સુધી આ સ્થિતિ રહેશે અને થોડી રાહત 26 જાન્યુઆરી પછી જ મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. હજુ ત્રણ દિવસ ઠંડીમાં કોઈ વધારો નહિ થાય. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે. આ સાથે જ જાન્યુઆરીમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાવાનું છે. કારણ કે જાન્યુઆરીમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે.