ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા નાગરિકોની મુસાફરીને હરહંમેશ પ્રાધાન્ય  આપવામાં આવ્યું છે. એસ.ટી નિગમની તમામ પ્રકારની પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં રાજ્યના નાગરિકોને પોતાના  ગંતવ્ય સ્થાન સુધી સલામત રીતે પહોંચાડવાની સુવિધા આપવામાં આવી રહી છે. દિવ્યાંગ મુસાફરો અને તેમના સહાયકો પણ એસ.ટી નિગમની બસોમાં વિનામૂલ્યે મૂસાફરી કરવાની યોજનાનો લાભ લઇ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં GSRTCની તમામ બસોમાં 96.5 લાખ દિવ્યાંગ મુસાફરો અને 13.27 લાખ જેટલા તેમના સહાયકોએ વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મેળવ્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે નિગમને રૂ. 75 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી તેમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ નાગરીકોને વધુમાં વધુ  યોજનાઓ થકી ગુણવત્તાયુકત મુસાફરી સુવિધા કઈ રીતે આપી શકાય તે દિશામાં એસ.ટી નિગમ દ્વારા સતત કામ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દિવ્યાંગ મુસાફરો માટે સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ દ્વારા વિવિધ પાંચ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અને તેમના સહાયકોને એસ.ટી. બસમાં 100 ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવા આવી રહ્યો છે.

ગુજરાત એસટી દ્વારા પાંચ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓમાં આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ, દૃજારી સ્નાયુબદ્ધ કઠોરતા, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા વગેરેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિ અને તેમના સહાયકોને મુસાફરી માટે 100 ટકા રાહત આપવામાં આવે છે.

દિવ્યાંગો દ્વારા નિગમની બસોમાં કરવામાં આવેલ વિનામૂલ્યે મુસાફરી સામે થયેલ ખર્ચની ગ્રાન્ટ સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા નિગમને આપવામાં આવે છે. વર્ષ-2024-25માં કુલ -96,52,619 દિવ્યાંગ વ્યક્તિ અને કુલ-13,27,784 દિવ્યાંગ વ્યક્તિઓના સહાયકો દ્વારા નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો હતો. આમ, છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ અને દિવ્યાંગ સહાયક માટે મુસાફરી પેટે રૂ. 75  કરોડથી વધુની સહાય નિગમને આપવામાં આવી છે તેમ,યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here