અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ 2022 અંતર્ગત ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવામાં આવશે. આજના શનિવારની 5મી જુલાઈ 2025થી ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે બાળકોમાં એક અલગ પ્રકારનો પરિવર્તન જોવા મળશે. અભ્યાસ ઉપરાંત, બાળકો નવા પ્રકારની પ્રવૃત્તિઓ શીખી શકશે.
આ દિવસે બાળકોને સ્કૂલ બેગ વિના શાળામાં બોલાવવામાં આવશે. પરંપરાગત અભ્યાસને બદલે, બાળકોને વિવિધ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવશે. જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ પ્રવૃત્તિઓમાં રમતગમત, કલા, સંગીત, નાટક, વાર્તા લેખન, લોકગીતો-નૃત્ય, ચિત્રકામ, માટીના રમકડાં બનાવવા, માસ્ક કે ઢીંગલી બનાવવા, કચરામાંથી હસ્તકલા બનાવવા, બાગકામ, માટીકામ, સુથારકામ, ધાતુકામ, સ્થાનિક કારીગરોને મળવા, સંગ્રહાલયો કે વારસા સ્થળોની મુલાકાત લેવા, વિજ્ઞાન પ્રયોગો અને જીવન કૌશલ્ય શીખવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
બાળકોને પુસ્તકો અને બેગના ભારણમાંથી મુક્ત કરવાના છે, અને સર્જનાત્મકતા, ટીમવર્ક, નેતૃત્વ, વાતચીત અને સમસ્યાનું નિરાકરણ જેવી 21મી સદીની કુશળતા વિકસાવવાની છે. બાળકોને સ્થાનિક સંસ્કૃતિ, પર્યાવરણ અને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડવાના છે. બાળકોની રુચિઓ અને પ્રતિભાઓને ઓળખીને પ્રોત્સાહન આપવાની છે. ગુજરાત સરકારે આ યોજના માટે દરેક વિદ્યાર્થી માટે બેગલેસ દિવસ દીઠ માત્ર 4.44 રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. શિક્ષકો અને શાળાઓને દર શનિવારે એક પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવા અને બાળકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારનો દાવો છે કે આનાથી બાળકોને શાળાની બહારની દુનિયાનો અનુભવ થશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં ઓછામાં ઓછા 10 ‘બેગલેસ દિવસ’ રાખવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં બાળકોને સ્થાનિક કારીગરો સાથે ઇન્ટર્નશિપ, ફિલ્ડ વિઝિટ અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ કરાવવાની છે. ગુજરાત સરકારની આ પહેલ બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક સકારાત્મક પગલું છે, પરંતુ તેને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે પૂરતા સંસાધનો અને સુઆયોજિત પ્રવૃત્તિઓની જરૂર પડશે. જેથી બાળકોને ખરેખર તેનો લાભ મળી શકે.