અમદાવાદઃ આજે ગુજરાતભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે આનેદોલ્લાસથી ઊજવણી થઈ રહી છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, શામળાજી અને ડાકોર સહિત મંદિરોમાં શ્રીકષ્ણ જન્મોત્સવ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તમામ મંદિરોમાં આજે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આજે સવારથી દ્વારકા, ટાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા છે.
આજે, ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો, ખાસ કરીને દ્વારકા, ડાકોર અને શામળાજી, ભક્તિના રંગે રંગાઈ ગયા છે. મંદિરોમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ ગુંજી રહ્યા છે, અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા દર્શન માટેની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી કાળિયા ઠાકરના દર્શન સુગમતાથી થઈ શકે.
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ માટે વહેલી સવારથી ખુલ્લું મુકાયેલું શામળાજી મંદિર બપોરે બંધ કરી દેવામાં આવ્યું હતુ. ભગવાન શામળિયાને રાજભોગ અર્પણ કરવાનો સમય હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ ફરીથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.. ભક્તો કાળિયા ઠાકોરના દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ઠાકોરજીને ધજા અર્પણ કરવાનું અનેરું મહત્વ છે. દૂર-દૂરથી ભક્તો ખાસ કરીને ધોળી ધજા લઈને અહીં આવી રહ્યા છે. ધોળી ધજા ભક્તોની શ્રદ્ધા, શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. ભક્તો ધજા સાથે મંદિરની પરિક્રમા કરી ‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ ના નાદ સાથે ભગવાનને યાદ કરે છે. આ નાદમાં ભક્તોની ભગવાનને મળવાની આતુરતા અને ભક્તિનો ભાવ વ્યક્ત થાય છે.જન્માષ્ટમીના પર્વ પર આ પરંપરાનું મહત્વ અનેકગણું વધી જાય છે, કારણ કે આ દિવસે લાખો ભક્તો ડાકોરમાં ઉમટી પડે છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા વધારવા માટે અનોખા શણગાર કરવામાં આવે છે. આ જ પરંપરામાં ઠાકોરજીના જન્મોત્સવ પહેલા ઠાકોરજીને કેવડાના પાનનો મુગટ ધરાવવામાં આવ્યો છે. આ મુગટનો મહિમા ડાકોર મંદિરમાં અનેરો છે. કૃષ્ણ અને કેવડાના ફૂલ વચ્ચેનો સંબંધ ખૂબ જ ઊંડો અને આધ્યાત્મિક માનવામાં આવે છે. કેવડાનું ફૂલ માત્ર તેની સુગંધ માટે જ નહીં, પરંતુ તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને કારણે પણ કૃષ્ણ સાથે જોડાયેલું છે.