ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસું હાલ તેની પરાકાષ્ઠા પર છે, અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ, જ્યારે પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ નોંધાયો છે.

હવામાન વિભાગે આ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આજે, 3 જુલાઈ 2025 ના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે અને અનેક તાલુકાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે.

ગુજરાતમાં ચોમાસું સક્રિય થતાં જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ગત અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. હવામાન વિભાગે હવે આગામી સમય માટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા – બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અને વડોદરા સહિતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય ભાગો જેવા કે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે યલો એલર્ટ જારી કરાયું છે, જે દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here