વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે’ ઊજવવામાં આવે છે.
અમદાવાદમાં મેડિસિટી ખાતે એક સરકાર સંચાલિત હોસ્પિટલ આવેલી છે જ્યાં મોં અને ગળા સહિત તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે દેશભરમાંથી દર્દીઓ આવે છે અને અહીંયા સારવાર મેળવીને કેન્સરને હરાવીને ઘરે જાય છે.
અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતે સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ બની રહી છે. ગુજરાત સરકાર, ગુજરાત કેન્સર સોસાયટી અને GCRI ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા તેના ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જાણીતું નામ બન્યું છે.
GCRI ખાતે કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.