અમદાવાદઃ રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવના ભાગરૂપે તમામ 33 જિલ્લાના શહેરો- હાઈવે પર આવેલા 267 પેટ્રોલ-ડીઝલ પંપ ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા. આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડીઝલ પંપ પર ગેરરીતિ જણાતાં  કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલાયો હતો. રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત  તા.18 અને 19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ શહેરો- હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ-ડીઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરી હતી.આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડીઝલ પંપ પર ગેરરીતિ જણાતાં  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશ રૂપે  રાજ્યના તમામ 33 જિલ્લામાં અલગ-અલગ પેટ્રોલ-ડીઝલ પંપોની આકસ્મિક તપાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લામાં-3,પંચમહાલમાં -2 તેમજ વડોદરા, સુરત, કચ્છ,ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર- સાબરકાંઠા અને મોરબી જિલ્લામાં 1-1 એમ કુલ 16 પેટ્રોલ અને ડીઝલ પંપનો સમાવેશ થાય છે.

આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક, ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના પેટ્રોલ-ડીઝલ પંપ ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા કુલ 16  જેટલા પેટ્રોલ-ડીઝલ પંપો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે.આ અંગે વધુ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે.

વધુમાં આ તપાસણી  દરમિયાન પેટ્રોલ-ડીઝલ પંપોમાં ડિલિવરી તપાસવા જરૂરી સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, કેપેસિટી મેજર ફેરચકાસણી/મુદ્રાકન ન કરાવવું ,ડીસ્પેંસિગ યુનિટનું ફેર ચકાસણી/મુદ્રાકન ન કરાવવું,ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવું જેવી ગેરરીતિઓ સામે આવી છે.પેટ્રોલ-ડીઝલ પંપો પર બહોળા પ્રમાણમાં પોતાની દૈનિક જરુરીયાતોને પહોંચી વળવા તેમજ મુસાફરી દરમિયાન ગ્રાહકો પેટ્રોલ-ડીઝલની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમને પેટ્રોલ-ડીઝલ ખરીદીમાં છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યના પેટ્રોલ-ડીઝલ પંપો પર તંત્રના કાયદા / નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે ગ્રાહકોના હિતમાં આ બે દિવસ દરમિયાન રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here