અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 07 એપ્રિલ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84 ટકા જળ સંગ્રહ હતો. આ વર્ષે ઉનાળાની સીઝનમાં રાજ્યના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુઝલામ સુફલામ્ જળ સંચય અભિયાન,નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જળસંચયનું આ મહાઅભિયાન તા. ૪ એપ્રિલ થી ૩૧ મે-૨૦૨૫ સુધી રાજ્યભરમાં યોજાશે.

મંત્રીએ વર્તમાનમાં રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૬૧.૯૫ ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૨ ટકાથી વધુ જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૬.૨૧ ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૪.૪૪ ટકા જળ સંગ્રહ, કચ્છના ૨૦ જળાશયોમાં ૪૧ ટકાથી વધુ અને ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૪.૯૫ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, મોરબી ખાતે આવેલું મચ્છુ-૩ જળાશય હાલમાં પણ ૧૦૦ ટકાથી વધુ ભરાયેલું છે. જ્યારે ૨૧ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૪૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકાથી વધુ, ૭૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયેલા છે. માત્ર ૬૭ જળાશયો એવા છે જેમાં ૨૫ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૨,૫૦૫, વણાકબોરી ડેમમાં ૩,૭૦૦ તેમજ કડાણા ડેમમાં ૧,૭૪૨ કયુસેક પાણીની આવક ચાલુ છે. ઉનાળા દરમિયાન રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવશે તેમ મંત્રી કુંવરજી બાવળીયાએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here