ગાંધીનગરઃ પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ GNLU-ગાંધીનગર ખાતે “પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર એક દિવસીય ટેક્નીકલ સેમીનારનો શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે મંત્રી રાઘવજી પટેલે એક સાથે રાજ્યના 10 જિલ્લામાં રૂ.19.98 કરોડના ખર્ચે નવનિર્મિત કુલ 31 પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ સમારોહ દરમિયાન ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા રાજ્યના 217 MAITRI ટેકનીશીયનને (મલ્ટી-પર્પઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનીશીયન ઇન રૂરલ ઇન્ડિયા) કૃત્રિમ બીજદાન માટે જરૂરી 12 સાધન-સામગ્રી ધરાવતી કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુ વીમા યોજના હેઠળ ક્લેમ મંજૂર થયો હોય તેવા લાભાર્થીઓને વીમા હેઠળ મળવાપાત્ર રૂ. 40,000 રકમના ચેક પણ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંડારેલા પથ પર આગળ વધીને આજે ગુજરાતે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં રાજ્યના પશુપાલકો ઉપરાંત પશુ સારવાર માટે કામ કરતા રાજ્યના પશુ ચિકિત્સકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો 25 ટકા છે અને ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં વાર્ષિક 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.
દૂધ ઉત્પાદન અને પશુ આરોગ્યને સીધો સંબંધ છે, તેમ કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે પશુ સારવાર કેન્દ્ર અને ફરતા પશુ દવાખાના થકી ઘરઆંગણે પશુ આરોગ્ય સુવિધા, પશુ સંવર્ધન માટે રાહત દરે કૃત્રિમ બીજદાન અને IVFની સુવિધા, પશુઓમાં રોગ નિયંત્રણ માટે રસીકરણ અભિયાન, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા, પશુઓના પોષણ માટેની યોજના તેમજ પશુઓના રક્ષણ માટે પશુ વીમા યોજના જેવી અનેકવિધ નવતર પહેલો કરી છે.