જળ સંચય અને જળ સિંચાઈ આજના સમયની જરૂરીયાત છે. જેને ધ્યાને રાખી રાજ્યમાં જળ સંગ્રહ માટે ‘સુજલામ સુજલામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ફલશ્રુતિરૂપે છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી પાણીદાર ગુજરાતનું નિર્માણ થયું છે.
‘ખેતી માટે પાણી’ અને ‘ઘર- ઘર સુધી શુદ્ધ પેયજળ’ પહોચાડવાના ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં ‘સુજલામ સુફલામ’ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના આજે અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ બન્યું છે. પીએમએ આપેલો ‘સુજલામ સુફલામ’નો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે.
રાજ્ય સરકાર આ અભિયાનને મહાઅભિયાન બનાવી ‘જળ એ જ જીવન’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. વર્ષ 2023માં 23,725 અને વર્ષ 2024માં 9,374 કામો એમ કુલ 33,099 કામો પૂર્ણ થયા છે.
ઉપરાંત વર્ષ 2023માં 21,425 લાખ ધન ફૂટ અને વર્ષ 2024માં 11,523 લાખ ધન ફૂટ એમ છેલ્લા બે વર્ષમાં કુલ 32,948 લાખ ધન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જ્યારે વર્ષ 2023માં 6,765 કિ.મી. અને વર્ષ 2024માં 2,616 કિ.મી. એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 9,381 કિ.મી. નેહરો અને કાંસની સાફ સફાઈ કરવામાં આવી છે. વર્ષ 2023માં 7,504 અને વર્ષ 2024માં 1,976 એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 9,480 તળાવોને ઊંડા કરાયા છે.