અમદાવાદઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે, તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.
કૃષિ મંત્રીએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન 30 જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કપાસનું અને ત્યારબાદ મગફળીનું પુષ્કળ વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે કપાસ અને મગફળીનું રાજ્યના ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં મગફળીનું વાવેતર પ્રતિવર્ષ સતત વધી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું સરેરાસ 17.50 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ 18.82 લાખ હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે પણ ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અત્યાર સુધીમાં જ મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ 115 ટકા વાવેતર પૂર્ણ થયું છે, જે હજુ પણ વધવાની સંભાવનાઓ છે.