અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતો દરમિયાન થતી જાનહાનિને અટકાવવા અને ઈજાગ્રસ્તોને સમયસર સારવાર પૂરી પાડવા માટે ગુજરાત પોલીસે એક નવી અને અદ્યતન પહેલ શરૂ કરી છે. ગુજરાત પોલીસ દ્વારા ખાસ તૈયાર કરાયેલા “અભિરક્ષક” નામનાં અકસ્માત રિસ્પોન્સ અને રેસ્ક્યુ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વાહનોની ખરીદી માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ, રાજ્યના અકસ્માત ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ સૌથી વધુ ગંભીર અકસ્માતો થતા હોય તેવા બે જિલ્લા – અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યની પસંદગી કરવામાં આવી છે. આ વાહનોનો મુખ્ય ઉદ્દેશ “ગોલ્ડન અવર્સ” દરમિયાન અકસ્માત સ્થળે ઝડપથી પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક બચાવવાનો અને હોસ્પિટલ પહોંચાડવાનો છે.

આ ખાસ વાહનમાં 32 થી વધુ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે, જેમાં ઓક્સિજન બોટલ, મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, સ્ટ્રેચર અને હેવી વેઈટ લિફ્ટ કરી શકે તેવી વીંચનો સમાવેશ થાય છે. રાત્રિના સમયે પણ અસરકારક રીતે કામગીરી થઈ શકે તે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, આ વાહનમાં નાઇટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઇટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેની ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ છે. વાહનની બોડી અને એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન ફાયરપ્રૂફ અને હુમલારોધક હોવાથી ભીડવાળી કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ખૂબ ઉપયોગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here